સુરતમાં ફરી હત્યાનો બનાવ, યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ

સુરત શહેરમાં હત્યાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં સતત બની રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે અલથાણ વિસ્તારમાં એક યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, અલથાણ વિસ્તારમાં રહેતા રાહુલ રાજપૂત નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રાહુલ આરોપીની પત્નીની છેડતી કરતો હોવાનો આરોપ છે.

આ અંગે પત્નીએ પોતાના પતિને જાણ કરતાં આરોપી રાજીવ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ આરોપી અને રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં આરોપીએ સિમેન્ટના પતરાથી રાહુલ પર હુમલો કર્યો હતો.

હુમલામાં રાહુલ રાજપૂતને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી રાજીવની ઝડપી ધરપકડ કરી છે. જ્યારે અલથાણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં સતત સામે આવી રહેલી હત્યાની ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Leave a Comment

Traffic Tail