બિહારમાં આકાશી વીજળીનો કહેર: 5 મહિલા સહિત 8નાં મોત

દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, વરસાદ-પૂર-ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું કહેર બની રહ્યું છે. ભારે વરસાદને કારણે બિહાર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પૂર, ભૂસ્ખલન અને જળભરાવની સ્થિતિ સર્જાઈ છે.

બિહારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં વીજળી પડતાં 5 મહિલા સહિત 8 લોકોનાં મોત થયા છે. સીતામઢીમાં ખેતરમાં કામ કરતા 3 શ્રમિકો અને બાંકામાં 5 લોકો વીજળીની ઝપેટમાં આવ્યા હતા.

કર્ણાટકના બેંગલુરુમાં અંડરપાસ નજીક બાંધકામ દરમિયાન માટી ધસી પડતાં એક શ્રમિકનું મોત થયું છે. અન્ય એક શ્રમિકની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમ વચ્ચે 56 રસ્તાઓ બંધ થયા છે. 5 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

મધ્ય પ્રદેશના મંદસૌરમાં ભારે વરસાદથી શિવના નદીમાં જળસ્તર વધ્યું છે. પાણીની આવક વધતાં અટલ સાગર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ઠાણેમાં તળાવો ઓવરફ્લો થતાં રસ્તાઓ પર પાણી ભરાયું છે અને ટ્રાફિકને અસર થઈ છે. બીજી તરફ, તમિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

ચોમાસાની સ્થિતિને પગલે વિવિધ રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail