સાધ્વી યૌન શોષણ કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને હરિયાણા સરકારે ફરી એકવાર 21 દિવસની પેરોલ મંજૂર કરી છે. આ સાથે તે અત્યાર સુધીમાં 17મી વખત જેલમાંથી બહાર આવશે.
રામ રહીમ હાલમાં હરિયાણાની સુનારીયા જેલમાં સજા ભોગવી રહ્યો છે. અગાઉ પેરોલ મળતી ત્યારે તેને ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બરનાવા આશ્રમમાં રહેવાની મંજૂરી આપવામાં આવતી હતી. જોકે આ વખતે સતત ત્રીજી વખત તેને હરિયાણાના સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના મુખ્ય આશ્રમમાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 2017માં સીબીઆઈની વિશેષ અદાલતે બે સાધ્વીઓના યૌન શોષણના કેસમાં રામ રહીમને દોષિત ઠેરવીને 10-10 વર્ષની બે અલગ-અલગ સજા ફટકારી હતી. કોર્ટના આદેશ મુજબ બંને સજા એકસાથે નહીં પરંતુ ક્રમશઃ ભોગવવાની છે.
રામ રહીમને વારંવાર પેરોલ મળતી હોવાને લઈને અગાઉ પણ રાજકીય અને સામાજિક સ્તરે સવાલો ઉઠ્યા છે. જોકે જેલના નિયમો અને સરકારી મંજૂરી હેઠળ તેને અગાઉ પણ અનેક વખત પેરોલ આપવામાં આવી ચૂકી છે. હવે ફરી 21 દિવસની પેરોલ મળતાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.









