કાઠમંડુ: નેપાળમાં ગ્લેશિયર સંબંધિત કુદરતી આફત બાદ હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે તિબેટમાંથી સામે આવેલા નવા અહેવાલોએ ચિંતા વધારી છે. તિબેટમાં મોટેકાશી નદીના સ્ત્રોત નજીક આવેલા જળાશયમાં પાણીનું લીકેજ શરૂ થતાં તેમજ અન્ય એક બંધની સ્થિતિ નાજુક બનતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત જળપ્રલયના ખતરાને પગલે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકોને પણ સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.
અહેવાલો અનુસાર ગ્લેશિયર વિસ્તારમાંથી મોટી માત્રામાં પાણીનો પ્રવાહ તિબેટના જળાશય તરફ આવી રહ્યો છે. જેના કારણે જળાશયમાં પાણીનું સ્તર અને દબાણ વધ્યું છે. આ પાણી મોટેકાશી નદીમાં પહોંચે તો નદીમાં ફરીથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચીને તિબેટ વિસ્તારમાં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનને પણ અસ્થાયી રીતે રોકી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા અગાઉની કુદરતી આફતમાં બચી ગયેલા લોકોને પણ જોખમી વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીકાંઠાના વિસ્તારોમાં માઇક દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહી ઊંચાઈવાળા સુરક્ષિત સ્થળોએ પહોંચવા અપીલ કરવામાં આવી રહી છે.
જળાશય તૂટી પડે તો અંદાજે 10 લાખ ક્યુબિક મીટર જેટલું પાણી અચાનક નીચે તરફ ધસી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિ સર્જાય તો નેપાળના નીચાણવાળા વિસ્તારોમાં અગાઉની આફત કરતાં પણ વધુ ગંભીર પૂર અને નુકસાનની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, જળાશય તૂટવાની સંભાવના અને સંભવિત નુકસાન અંગે સત્તાવાર મૂલ્યાંકન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
નુવાકોટ નજીકના વિસ્તારોને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે. તિબેટ-નેપાળ સરહદ પર ઉભી થયેલી પરિસ્થિતિને કારણે નેપાળ તરફથી પહોંચેલી રાહત અને બચાવ ટીમોને પણ કામગીરી અટકાવવી પડી છે.
હાલ બંને દેશોના સરહદી વિસ્તારોમાં તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી કલાકો અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. જળાશયમાં પાણીનું સ્તર ઘટે છે કે વધુ વધે છે તેના પર સમગ્ર પરિસ્થિતિનો આધાર છે. લોકોને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.









