ક્રાઈમ બ્રાન્ચે 48 બોટલ અને 216 બિયર ટીન સહિત રૂ.20.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર રામદેવ આઈ માતા હોટેલ સામે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી દારૂ-બિયર ભરેલો આઈસર ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 48 બોટલ અને બિયરના 216 ટીન મળી આવતા ટ્રક સહિત કુલ રૂ.20,34,176નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના PSI વી.ડી. રાવલીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ASI સમીરભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડાંગર અને મુકેશભાઈ સબાડને બાતમી મળી હતી. માહિતીના આધારે પોલીસે GJ-03-CU-6234 નંબરનો આઈસર ટ્રક અટકાવી તલાશી લેતા દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે પોલીસે ગોંડલના ગુંદાસરા ગામની કર્મભક્તિ સોસાયટી-2માં રહેતા ભાવેશ ઉર્ફે ધવલ ભીખુ ધામેલિયા (ઉ.વ.32)ની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
નહેરૂનગરમાં મકાનમાંથી પણ દારૂ મળ્યો
નહેરૂનગર મેઈન રોડ, શેરી નં.5 ખાતે LCB ઝોન-2ની ટીમે ભાવિન બહાદુરસિંહ દેવડાના (ઉ.વ.27) મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂ.23,100ની કિંમતની વિદેશી દારૂની 21 બોટલ મળી આવતાં પોલીસે ભાવિન દેવડાની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન તેના ભાઈ નીરજ દેવડાનું નામ સામે આવ્યું હતું. પોલીસે નીરજ દેવડાને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.









