બંગાળની ખાડીનું લો-પ્રેશર મજબૂત બન્યું, અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર સતત મજબૂત બની રહ્યું છે અને હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે.
ઓડિશામાં સિસ્ટમની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. તટીય અને દક્ષિણ વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે 33 રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાંથી 24 ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં શૈક્ષણિક કામગીરી બંધ કરવામાં આવી છે અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરાઈ છે.
સિસ્ટમની અસરથી આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બિહારમાં ગુરુવાર અને શુક્રવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પૂર્વી ઉત્તરપ્રદેશમાં ગુરુવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થવાની અને 25-26 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે.
બીજી તરફ, ઉત્તરાખંડમાં શુક્રવારથી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને શનિવારે પર્વતીય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમની અસર નેપાળ અને તિબેટ સુધી પણ જોવા મળી શકે છે.









