વાંકાનેરમાં ધોળે દિવસે લૂંટ કરનાર ત્રણ બાળ કિશોર ઝડપાયા: હત્યા-લૂંટ સહિતના ગુનાઓનો ઈતિહાસ ખુલ્યો

વાંકાનેર: વાંકાનેર શહેરમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવી લૂંટ ચલાવનાર ત્રણ બાળ કિશોરોને પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડી રૂ. 68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી ચોરાઉ બાઈક, રોકડ અને મોબાઈલ પણ મળી આવ્યા છે.

20 જુલાઈએ 79 વર્ષીય હરીલાલ વિડજા પાસેથી થેલાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા. વાંકાનેર સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

તપાસમાં ખુલ્યું કે લૂંટમાં વપરાયેલી બાઈક ભાવનગર જિલ્લાના ગારિયાધાર વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. આરોપીઓ ચોરાઉ બાઈક પર ફરી વૃદ્ધો અને વેપારીઓની રેકી કરી અનુકૂળ તક મળતાં લૂંટ ચલાવતા હતા.

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલા ત્રણેય બાળ કિશોરો અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. એક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જ્યારે અન્ય બે સામે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે ત્રણેય બાળ કિશોરોને કસ્ટડીમાં લઈ સમગ્ર ગુનાહિત નેટવર્ક અને અન્ય સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail