યમન અને સોમાલિયાના દરિયાઈ વિસ્તારમાં ચાંચિયાઓએ બે કોમર્શિયલ જહાજો પર કબજો જમાવતાં દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતા વધી છે. બંને જહાજોમાં કુલ 22 ભારતીય નાવિકો સહિત 30 ક્રૂ મેમ્બર સવાર હતા.
યમનના અદન નજીક ‘M.T. Sibu 1’ નામના તેલ ટેન્કરને ચાંચિયાઓએ હાઈજેક કર્યું છે. આ જહાજમાં 20 ક્રૂ મેમ્બર હતા, જેમાંથી 16 ભારતીય નાગરિકો છે. હાલ તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાની માહિતી છે અને જહાજની સ્થિતિ અંગે તપાસ ચાલી રહી છે.
સોમાલિયાના પુંટલેન્ડ તટ નજીક બીજી ઘટનામાં ‘M/V LUTUF’ કાર્ગો જહાજને પણ ચાંચિયાઓએ પોતાના કબજામાં લઈ લીધું છે. આ જહાજમાં 10 ક્રૂ મેમ્બર હતા, જેમાં 6 ભારતીય નાગરિકો સામેલ છે. ચાંચિયાઓએ જહાજને નૂગાલ તટ તરફ લઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.
બંને ઘટનાઓ બાદ ભારતીય નૌકાદળ અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારતીય નાવિકોની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવામાં આવી રહી છે અને તેમને સુરક્ષિત રીતે મુક્ત કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
અરેબિયન સમુદ્ર, અદનની ખાડી અને હોર્ન ઓફ આફ્રિકા નજીક ચાંચિયાગીરીની વધતી ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર પણ સુરક્ષાનો પ્રશ્ન ફરી ગંભીર બન્યો છે. ભારત સરકાર સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.









