માર્ગ સલામતી સમિતિની બેઠકમાં કડક નિર્ણય

રાજકોટમાં હવે બ્લેક ફિલ્મ અને સફેદ LED લાઈટ વેચવા પર પોલીસની નજર : એસેસરીઝ વેપારીઓને પણ સૂચના

રાજકોટ : શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસ દ્વારા હવે વાહન એસેસરીઝના વેપારીઓ પર પણ નજર રાખવામાં આવશે. ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી માર્ગ સલામતી સમિતિની બેઠકમાં નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ, સફેદ LED લાઈટ તથા નંબર પ્લેટનો ઉપયોગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બેઠકમાં કાર એસેસરીઝ એસોસિએશનના સભ્યોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, વાહનોના કાચ પર લગાવવામાં આવતી સંપૂર્ણ બ્લેક ફિલ્મનું વેચાણ ન કરવું. એસોસિએશનના પ્રમુખ હાર્દિકભાઈએ પણ નિયમ વિરુદ્ધની બ્લેક ફિલ્મ નહીં વેચવાની ખાતરી આપી હતી. જ્યારે કાયદાની મર્યાદામાં આવતી ઓછી તીવ્રતાની ‘લો કેટેગરી’ ફિલ્મ અંગે આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે.

ડીસીપી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શોરૂમમાંથી બહાર આવતી કારના કાચ અને લાઈટમાં નિયમ વિરુદ્ધ કોઈ ફેરફાર કરી શકાય નહીં. વર્ષ 2012ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વાહનના કાચ પર ફિલ્મ અને લાઈટમાં ફેરફાર અંગેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ અંગે એસેસરીઝ વેપારીઓને પણ નિયમોની સંપૂર્ણ સમજ આપવામાં આવી છે.

1.10 લાખથી વધુ કેસ, રૂ.4.28 કરોડનો દંડ

રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2026માં અત્યાર સુધીમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1,10,601 કેસ કરવામાં આવ્યા છે અને કુલ રૂ.4,28,87,200નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 68,033 ઈ-ચલણ પણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આરટીઓ વિભાગે 50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 225 વાહનચાલકોને નોટિસ પાઠવી છે, જ્યારે 47 વાહનચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હાઈવેના ગેરકાયદે મિડિયન ગેપ બંધ કરાશે

રાજકોટને જોડતા હાઈવે પરના ગેરકાયદે મિડિયન ગેપ બંધ કરવા તથા તેને તોડી નાખનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં લેફ્ટ ટર્ન વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે પણ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે.

હાઈ બીમ સામે કાર કંપનીઓ આપશે ચેતવણી

રાત્રિના સમયે હાઈ બીમના કારણે થતા અકસ્માતોને ઘટાડવા માટે કાર કંપનીઓ દ્વારા શહેરી વિસ્તારમાં હાઈ બીમનો ઉપયોગ ન કરવા અંગે સ્ક્રીન અથવા ડેશબોર્ડ પર સીધો મેસેજ દર્શાવવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં આરટીઓ, નેશનલ હાઈવે ઓથોરિટી, આરએન્ડબી, રૂડા, એસટી અને મહાનગરપાલિકા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Comment

Traffic Tail