કચ્છ: ખાવડા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ પરિવહન સામે વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભુજ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન નિયમોના ભંગ સાથે ખનીજનું પરિવહન કરતી 7 ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી.
તપાસ દરમિયાન કેટલાક વાહનો પાસે જરૂરી રોયલ્ટી પાસ ન હોવાનું તેમજ અનેક ટ્રકોમાં મંજૂર મર્યાદા કરતાં વધુ ખનીજ ભરેલું હોવાનું સામે આવ્યું હતું. નિયમોના ઉલ્લંઘન બદલ તમામ વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
વહીવટી તંત્રે ગેરકાયદે પરિવહન કરતા ખનીજ અને ટ્રકો સહિત કુલ અંદાજે રૂ. 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે સંબંધિત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને પરિવહન સામે આવી જ રીતે સતત દેખરેખ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.









