નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને તેમના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓને જાહેર બાંધકામ વિભાગ (PWD)ના કોન્ટ્રાક્ટ ફાળવણીમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ મામલે CBIએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તપાસ એજન્સીએ રાજ્ય સરકાર પર જરૂરી દસ્તાવેજો અને સરકારી રેકોર્ડ ઉપલબ્ધ ન કરાવી તપાસમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવ્યો છે.
CBIએ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું છે કે 2015થી 2025 દરમિયાન થયેલી કોન્ટ્રાક્ટ ફાળવણીની તપાસ માટે અનેક વખત માંગ છતાં રાજ્ય સરકાર તરફથી પૂરતો સહકાર મળ્યો નથી.
જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ મુદ્દે રાજ્ય સરકારના વલણ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે અગાઉ પણ રાજ્ય સરકારને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અને નોડલ અધિકારી નિયુક્ત કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે અરૂણાચલ પ્રદેશના ચીફ સેક્રેટરી અને હોમ સેક્રેટરીને કારણદર્શક નોટિસ ફટકારી છે અને બંને અધિકારીઓને 24 ઓગસ્ટે વ્યક્તિગત રીતે હાજર રહી તપાસમાં અસહકારનું કારણ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં અવરોધ કે કોર્ટના આદેશોની અવગણના ગંભીર બાબત છે અને આગામી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર પાસેથી વિગતવાર જવાબ માંગવામાં આવશે.









