નવી દિલ્હી: વાયુ પ્રદૂષણ ઘટાડવા અને જૂના કોમર્શિયલ વાહનોને રસ્તાઓ પરથી હટાવવા માટે કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપેજ નીતિ હેઠળ મહત્વપૂર્ણ પ્રોત્સાહનો જાહેર કર્યા છે. આ યોજના અંતર્ગત જૂની બસ અથવા ટ્રકને સ્ક્રેપ કરીને નવું વાહન ખરીદનારા માલિકોને અનેક આર્થિક લાભો આપવામાં આવશે.
નવી નીતિ મુજબ, જો વાહન માલિક નવું કોમર્શિયલ વાહન ખરીદવા માટે બેંકમાંથી લોન લે છે, તો લોનના વ્યાજ પર સરકાર તરફથી 50 ટકા સુધીની સહાય આપવામાં આવશે. એટલે કે, જો લોનનો વ્યાજ દર 10 ટકા હોય તો વાહન માલિકે માત્ર 5 ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે, જ્યારે બાકીનો હિસ્સો સરકાર ભોગવશે.
આ ઉપરાંત, કેટલાક અગ્રણી વાહન ઉત્પાદકો દ્વારા નવા વાહનની એક્સ-શોરૂમ કિંમત પર આશરે 8 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહનો (EV) ખરીદનારાઓને પણ સમાન લાભો મળશે, જેથી હરિત પરિવહનને વધુ પ્રોત્સાહન મળી શકે.
યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે નવા વાહન પર આગામી 10 વર્ષ સુધી રોડ ટેક્સમાં સંપૂર્ણ રાહત આપવામાં આવશે. સાથે જ વાહનની રજિસ્ટ્રેશન ફી પણ માફ કરવામાં આવશે, જેના કારણે વાહન માલિકોનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે.
સરકારનું માનવું છે કે આ યોજના જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનોને બદલીને આધુનિક, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર વાહનો અપનાવવામાં મદદરૂપ થશે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર જેવા પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં આ પગલું હવાની ગુણવત્તા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
નવી સ્ક્રેપેજ નીતિને પરિવહન ક્ષેત્ર માટે ગેમચેન્જર માનવામાં આવી રહી છે, કારણ કે તે વાહન માલિકોને આર્થિક રાહત આપવાની સાથે પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને પણ વેગ આપશે.









