રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના બાગ-બગીચાની એક વર્ષ માટેની જાળવણી અને નિભાવણી માટે સોમનાથ એજન્સીને ₹1.29 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સામે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં જ ભાજપના કોર્પોરેટરો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.
બાગ-બગીચાની જાળવણી પાછળ થનારા ખર્ચ અંગે કોર્પોરેટરોએ શંકા વ્યક્ત કરી હતી. ખર્ચ સામે સવાલો ઉઠતાં અંતે આ દરખાસ્તને હાલ પૂરતી પેન્ડિંગ રાખવાની ફરજ પડી હતી.
આગામી બેઠકમાં મંજૂરી મળશે?
દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હોવા છતાં આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તેને ફરી રજૂ કરીને મંજૂરી આપવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. જો આગામી બેઠકમાં દરખાસ્ત મંજૂર થાય તો બાગ-બગીચાની જાળવણી પાછળના ખર્ચને લઈને ફરી ચર્ચા અને વિરોધ થવાની શક્યતા છે.
હાલમાં ₹1.29 કરોડની બાગ-બગીચાની જાળવણીની દરખાસ્ત ચર્ચાના ચકડોળે ચડી છે, ત્યારે મહાનગરપાલિકા આ ખર્ચ અંગે શું સ્પષ્ટતા કરે છે અને અંતે દરખાસ્તનું શું થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.









