અમદાવાદ: કરચોરીના કેસની પતાવટ કરાવવા બદલ ₹20 લાખની લાંચ માંગવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આવકવેરા વિભાગના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવોકેટ અર્પિત શાહની અપીલ ફગાવી દીધી છે. હાઈકોર્ટે સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને યથાવત રાખતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક સંદેશ આપ્યો છે.
કેસની વિગતો મુજબ વર્ષ 2003 દરમિયાન ફરિયાદી વિરુદ્ધ કરચોરી સંબંધિત અરજી આણંદ સ્થિત આવકવેરા વિભાગમાં પેન્ડિંગ હતી. તે સમયે તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટે કેસમાં મોટી પેનલ્ટી ફટકારવાની ધમકી આપી પતાવટ માટે ₹20 લાખની લાંચની માંગણી કરી હોવાનું આરોપ છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે એડવોકેટ અર્પિત શાહે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી હતી અને લાંચની માંગણીને ઘટાડીને ₹3 લાખ સુધી લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે સીબીઆઈએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ અને ફરિયાદી વચ્ચે થયેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. સીબીઆઈ દ્વારા ફિનોલ્ફથેલિન પાવડર લગાવેલી ચલણી નોટો સાથે છટકું ગોઠવાયું હતું.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ એડવોકેટ અર્પિત શાહ ફરિયાદીના ઘરે પહોંચ્યા બાદ રૂપિયા સ્વીકારતા જ સીબીઆઈની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ કરવામાં આવેલી રાસાયણિક તપાસમાં લાંચ સ્વીકારવાના પુરાવા મળ્યા હતા.
સ્પેશિયલ કોર્ટે વર્ષ 2010માં બંને આરોપીઓને દોષિત ઠેરવી અનુક્રમે બે વર્ષ અને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ચુકાદાને પડકારતી અપીલ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન સીબીઆઈએ દલીલ કરી હતી કે કેસ માત્ર ઓડિયો રેકોર્ડિંગ પર આધારિત નથી, પરંતુ કોલ ડિટેલ રેકોર્ડ, દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને ટ્રેપ દરમિયાન એકત્રિત થયેલા ભૌતિક પુરાવાઓ પણ આરોપીઓ સામે મજબૂત રીતે ઉભા રહે છે.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે રજૂ થયેલા પુરાવાઓ લાંચની માંગણી અને સ્વીકાર બંનેને સ્પષ્ટ રીતે સાબિત કરે છે. અદાલતે જણાવ્યું કે ટ્રાયલ કોર્ટના ચુકાદામાં કોઈ કાનૂની ખામી કે હસ્તક્ષેપ કરવા યોગ્ય કારણ દેખાતું નથી. પરિણામે બંને આરોપીઓની અપીલ નામંજૂર કરીને તેમની સજા યથાવત રાખવાનો હુકમ કરવામાં આવ્યો.
આ ચુકાદાને ભ્રષ્ટાચાર સામેની લડતમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે અને સરકારી તંત્રમાં પારદર્શિતા તથા જવાબદારી અંગે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.









