મિસ ઈન્ડિયા વર્લ્ડ-2024ની વિજેતા નિકિતા વૈશ્વિક મંચ માટે તૈયાર; ‘માટી’ પ્રોજેક્ટ સાથે રજૂ કરશે ભારતની સામાજિક પ્રતિબદ્ધતા
નવી દિલ્હી: ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ-2024નો ખિતાબ જીતનાર નિકિતા પોરવાલ હવે મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સજ્જ છે. વૈશ્વિક સ્પર્ધા માટે નિકિતા કડક ફિટનેસ ટ્રેનિંગ સાથે વિવિધ દેશોની સંસ્કૃતિ અને મહત્વના વિષયોનો અભ્યાસ કરી રહી છે.
નિકિતાએ જણાવ્યું કે મિસ વર્લ્ડની તૈયારી માત્ર ગ્લેમર અને રેમ્પ વોક સુધી મર્યાદિત નથી. દેશનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારીને ધ્યાનમાં રાખીને તે પોતાની દિનચર્યામાં શિસ્ત અને સતત મહેનતને પ્રાથમિકતા આપી રહી છે.
પોતાની સફળતામાં માતાના અતૂટ વિશ્વાસને મહત્વપૂર્ણ ગણાવતી નિકિતા પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યા રાય બચ્ચનને પોતાની પ્રેરણા માને છે. પ્રિયંકા પાસેથી આગળ વધવાની અને ઐશ્વર્યા પાસેથી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા મળતી હોવાનું તેણે જણાવ્યું છે.
મિસ વર્લ્ડમાં નિકિતા પોતાના ‘બ્યુટી વિથ એ પર્પઝ’ પ્રોજેક્ટ ‘માટી’ (Maati) સાથે ભાગ લેશે. આ પ્રોજેક્ટ દ્વારા આદિવાસી વિસ્તારોની મહિલાઓ અને બાળકો માટે શિક્ષણ, આરોગ્ય તથા આજીવિકાના ક્ષેત્રે કામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
થિયેટરનો અભ્યાસ કરી ચૂકેલી નિકિતા ભવિષ્યમાં ફિલ્મોમાં અભિનય કરવાની ઈચ્છા ધરાવે છે. તે બોલિવૂડમાં સારી ભૂમિકાઓ કરવા ઉપરાંત અભિનેતા કિચ્ચા સુદીપ સાથે સ્ક્રીન શેર કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે.









