અંતિમ દિવસે પણ ધમાલ યથાવતઃ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અંતિમ ક્ષણે લોકસભામાં હાજર રહ્યા
નવી દિલ્હી: જંતર-મંતર આંદોલન અને વિવિધ મુદ્દાઓને લઈને સરકાર તથા વિપક્ષ વચ્ચે સતત ચાલી રહેલા ઘર્ષણની અસર સંસદના ચોમાસુ સત્રના અંતિમ દિવસે પણ જોવા મળી હતી. લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે મર્યાદિત કામકાજ બાદ બંને ગૃહોને અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવ્યા હતા.
સત્રના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ લોકસભાની કાર્યવાહી દરમિયાન અંતિમ ક્ષણે હાજર રહ્યા હતા. ‘વંદે માતરમ્’ના ગાન બાદ લોકસભાને અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવી હતી.
લોકસભામાં માત્ર 19 ટકા કામકાજ
સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ચોમાસુ સત્રની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે લોકસભામાં માત્ર 19 ટકા અને રાજ્યસભામાં 39 ટકા કામકાજ થઈ શક્યું હતું.
લોકસભામાં કુલ 12 ખરડાઓમાંથી માત્ર એક ખરડા પર ચર્ચા થઈ હતી, જ્યારે બાકીના 11 ખરડા ચર્ચા વિના મંજૂર કરવામાં આવ્યા હોવાનો સરકારનો દાવો છે.
સરકારના જણાવ્યા મુજબ, લોકસભામાં પેપર લીક સંબંધિત સુધારા ખરડા પર જ ચર્ચા થઈ શકી હતી. સતત હંગામાને કારણે અન્ય મહત્વના મુદ્દાઓ પર પૂરતી ચર્ચા થઈ શકી નહોતી.
રાજ્યસભામાં પણ હંગામો
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રેલી બાદ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા કથિત શુદ્ધિકરણના મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. ત્યારબાદ અન્ય મુદ્દાઓને લઈને પણ ગૃહમાં હોબાળો થયો હતો.
વિપક્ષે સત્રના અંતિમ દિવસે પણ સંસદ પરિસરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
NEET-UG 2026 પેપર લીક કેસઃ CBIની વધુ તપાસની અરજી પર ચુકાદો અનામત
દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટ આવતીકાલે નિર્ણય આપશે
નવી દિલ્હી: NEET-UG 2026 પેપર લીક કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે CBIની વધુ તપાસની મંજૂરી માગતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ આ મામલે આવતીકાલે નિર્ણય જાહેર કરશે.
સુનાવણી દરમિયાન આરોપીઓના બચાવ પક્ષના વકીલોએ ચાર્જશીટ સાથે રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓ અંગે વાંધા રજૂ કર્યા હતા. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
CBI દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. હાલમાં આરોપીઓ સામે આરોપો ઘડવાની પ્રક્રિયા અંગે પણ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
CBIને વધુ તપાસની મંજૂરી મળે છે કે નહીં તે અંગેનો કોર્ટનો નિર્ણય કેસની આગામી કાર્યવાહી માટે મહત્વપૂર્ણ બની શકે છે.
સંસદમાં ‘વંદે માતરમ્’ના સૂર ગુંજ્યા
લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રીય ગીતના ગાન સાથે કાર્યવાહી
નવી દિલ્હી, તા. 13: ભારતીય સંસદમાં ‘વંદે માતરમ્’ના ગાનને લઈને વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત સાંસદોની હાજરીમાં ‘વંદે માતરમ્’નું ગાન કરવામાં આવ્યું હતું.
રાજ્યસભામાં પણ ‘વંદે માતરમ્’ના સૂર સાથે કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.
સરકારી અને સત્તાવાર કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’ના ગાન માટે નિર્ધારિત પ્રોટોકોલ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંસદમાં પણ આ પ્રોટોકોલ મુજબ ગીતની છ પંક્તિઓ રજૂ કરવામાં આવી હતી.









