મેટાએ કારણ જાહેર કર્યું નહીં; 24 કલાકમાં નિર્ણયની વાત, સોશિયલ મીડિયા પર ફરિયાદોનો ધસારો
નવી દિલ્હી: મેટાની લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ પર ભારત સહિત અનેક યુઝર્સના એકાઉન્ટ અચાનક ‘રીવ્યુ’ હેઠળ મૂકાતા યુઝર્સમાં ચિંતા ફેલાઈ છે. અનેક લોકોને એપ તરફથી નોટિફિકેશન મળ્યું છે કે તેમના એકાઉન્ટની સમીક્ષા ચાલી રહી છે, જ્યારે કેટલાક યુઝર્સે એપના ફીચર્સ અસ્થાયી રીતે બંધ થઈ ગયા હોવાની ફરિયાદ કરી છે.
વોટ્સએપ દ્વારા મોકલાયેલા સંદેશામાં જણાવાયું છે કે એકાઉન્ટ વોટ્સએપની સેવાની શરતોનું પાલન કરે છે કે નહીં તેની ચકાસણી ચાલી રહી છે અને 24 કલાકમાં પરિણામ અંગે જાણ કરવામાં આવશે. જોકે, એકાઉન્ટ રીવ્યુ પાછળનું ચોક્કસ કારણ કંપનીએ જાહેર કર્યું નથી.
કંપનીએ યુઝર્સને પોતાની ગાઇડલાઇન અને ઉપયોગના નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક યુઝર્સે કોઈ પૂર્વ ચેતવણી વિના એકાઉન્ટ ડિસેબલ અથવા મર્યાદિત કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.
આ સમગ્ર મામલે મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.









