બંધ મકાનમાં દારૂનું ગોડાઉન : 2832 બોટલ સાથે રૂ.8.03 લાખનો મુદ્દામાલ ઝડપાયો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આંબેડકરનગરના 80 ફૂટ રોડ પર આવેલા એક બંધ મકાનમાં દરોડો પાડી 2832 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે દારૂની રખેવાળી કરવા આવેલા સાહિલ બળવંત વોરાની ધરપકડ કરી છે.

ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની રૂ.7.83 લાખની કિંમતની દારૂની બોટલો મળી આવી હતી. દારૂ સહિત પોલીસે કુલ રૂ.8.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે દિપક ઉર્ફે ધોનો વિનોદ ચૌહાણે દારૂનો જથ્થો મંગાવી હિતેષ ગોહેલના બંધ મકાનમાં સંતાડ્યો હતો અને ત્યાંથી છૂટક વેચાણ કરવામાં આવતું હતું.

દારૂના આ નેટવર્કમાં સંડોવાયેલા હિતેષ ગોહેલ, દિપક ચૌહાણ અને અજય રાઠોડ હાલ ફરાર છે. પોલીસે ત્રણેયની શોધખોળ શરૂ કરી છે. મુખ્ય સૂત્રધાર દિપક ચૌહાણ અગાઉ પણ અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિસ્તારમાં દારૂના મોટા જથ્થાના કેસમાં ઝડપાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Leave a Comment

Traffic Tail