સત્યનિકેતનમાં મચી અફરાતફરી; કાટમાળ નીચે હજુ લોકો ફસાયા હોવાની આશંકા, NDRFનું રાતભર રેસ્ક્યુ ઓપરેશન
નવી દિલ્હી: દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે PG તરીકે ઉપયોગમાં લેવાતી પાંચ માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જોતજોતામાં જ આખી ઈમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા વચ્ચે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
ઈમારત ધરાશાયી થવાની ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ ઈમારતની બહાર બેઠેલો જોવા મળે છે, પરંતુ અચાનક જ જોરદાર ધડાકા સાથે ઈમારત તૂટી પડતાં તે પોતાનો જીવ બચાવવા માટે દોડતો જોવા મળે છે. થોડી જ ક્ષણોમાં સમગ્ર વિસ્તાર ધૂળના ગોટેગોટાથી છવાઈ ગયો હતો.
‘એક ક્ષણ માટે લાગ્યું કે બોમ્બ ફૂટ્યો…’
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઈમારત ધરાશાયી થઈ ત્યારે એટલો પ્રચંડ અવાજ આવ્યો હતો કે એક ક્ષણ માટે લોકોને લાગ્યું કે જાણે કોઈ મોટો બોમ્બ ધડાકો થયો હોય. ધડાકા બાદ ઈમારત ધસી પડતાં ચારે તરફ ધૂળનો ધુમાડો ફેલાઈ ગયો હતો અને કાટમાળ નીચેથી મદદ માટેની ચીસો સંભળાતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક વિદ્યાર્થીઓ પોતાના ગુમ થયેલા મિત્રો અને સાથીઓની ભાળ મેળવવા માટે ઘટનાસ્થળની આસપાસ ભટકતા જોવા મળ્યા હતા.
રાતભર ચાલ્યું કાટમાળ હટાવવાનું કામ
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોડી રાત સુધી અને ત્યારબાદ પણ કાટમાળ હટાવી ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી સતત ચાલુ રહી હતી. સ્થાનિક લોકો પણ બચાવ દળોને મદદ કરતા જોવા મળ્યા હતા.
કાટમાળ નીચે હજુ કોઈ જીવિત વ્યક્તિ ફસાયેલી છે કે નહીં તે જાણવા માટે અત્યાધુનિક લાઇફ ડિટેક્ટર અને તાલીમબદ્ધ સર્ચ ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે.
15 મિનિટમાં બેભાન યુવકને બચાવ્યો
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન NDRFના જવાનોને કાટમાળ નીચેથી જીવનના સંકેતો મળતાં જ તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમે આશરે 15 મિનિટમાં એક બેભાન યુવકને કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત અન્ય બે લોકોને પણ સતત પ્રયાસો બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આધુનિક ટેક્નોલોજીથી રેસ્ક્યુ ઓપરેશન
ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે NDRF દ્વારા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મજબૂત કોંક્રીટ કાપવા માટે ડાયમંડ ચેન સો અને પ્લાઝમા કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ભારે કાટમાળ ખસેડવા માટે હાઇડ્રોલિક જેક અને અન્ય વિશેષ સાધનોનો સહારો લેવાયો હતો.
કાટમાળના અસ્થિર ભાગો ફરીથી તૂટી ન પડે તે માટે વિશેષ શૌરિંગ સાધનોનો ઉપયોગ કરીને સુરક્ષિત માર્ગ બનાવવામાં આવ્યો હતો. ફસાયેલા લોકોનું ચોક્કસ સ્થાન મળતાં જ જવાનો અત્યંત સાવધાનીપૂર્વક તેમની સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તપાસ કમિટીની રચના, મકાનમાલિકની શોધખોળ
આ ગંભીર દુર્ઘટનાની તપાસ માટે દિલ્હી સરકાર દ્વારા વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ઈમારત ધરાશાયી થવા પાછળ બાંધકામની ખામી કે અન્ય કોઈ બેદરકારી જવાબદાર હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
બીજી તરફ, ઘટના બાદથી ઈમારતનો માલિક ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
હાલ સત્યનિકેતન વિસ્તારમાં બચાવ કામગીરી યથાવત છે અને કાટમાળ નીચે હજુ કોઈ વ્યક્તિ ફસાયેલી છે કે નહીં તે શોધવા માટે NDRF અને અન્ય એજન્સીઓ સતત કામગીરી કરી રહી છે.









