નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં IPO માર્કેટ ફરી એકવાર જોર પકડવા જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાની મંદી બાદ હવે જુલાઈમાં 12થી વધુ કંપનીઓ પોતાના IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. અંદાજે ₹45,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેના કારણે પ્રાથમિક બજારમાં ફરી નવી તેજી જોવા મળી શકે છે.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી મજબૂતી આવતા અનેક મોટી કંપનીઓએ લિસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનાવી છે. જુલાઈમાં સૌથી મોટો IPO SBI Funds Managementનો હોવાની શક્યતા છે, જેનું કદ અંદાજે ₹12,000થી ₹13,000 કરોડ હોઈ શકે છે. ત્યારબાદ Manipal Health Enterprisesનો આશરે ₹11,000 કરોડ અને Zeptoનો લગભગ ₹8,000 કરોડનો IPO આવવાની સંભાવના છે.
આ ઉપરાંત Mega Capital, NAC Packaging અને Innovative View જેવી કંપનીઓ પણ IPO લાવવાની તૈયારીમાં છે. માત્ર ટોચની ત્રણ કંપનીઓ જ મળીને આશરે ₹32,000 કરોડ બજારમાંથી ઊભા કરે તેવી શક્યતા છે.
જેએમ ફાઇનાન્શિયલના એમડી અને સીઈઓ સોનિયા દાસગુપ્તાના જણાવ્યા મુજબ, વૈશ્વિક અનિશ્ચિતતા ઘટતા અને ભારતીય રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનતા IPO માર્કેટમાં ફરી તેજી આવવાની આશા છે.
વર્ષ 2026ની શરૂઆતમાં વૈશ્વિક તણાવ અને વિદેશી રોકાણમાં ઘટાડાને કારણે IPO માર્કેટ ધીમું પડ્યું હતું. એપ્રિલ સુધી 18 IPO આવ્યા હતા, જ્યારે મે મહિનામાં એક પણ નવી કંપની બજારમાં આવી નહોતી. હવે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં રોકાણકારોમાં ફરી વિશ્વાસ વધ્યો છે.
રોકાણકારો હવે મજબૂત બિઝનેસ મોડલ અને લાંબા ગાળાની વૃદ્ધિની ક્ષમતા ધરાવતી કંપનીઓમાં વધુ રસ દાખવી રહ્યા છે. રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.
સેબીના આંકડા મુજબ, 19 જૂન સુધીમાં 173 કંપનીઓને કુલ ₹2.7 લાખ કરોડ એકત્ર કરવા મંજૂરી મળી ચૂકી છે, જ્યારે અન્ય 64 કંપનીઓ હજુ મંજૂરીની રાહ જોઈ રહી છે. તેમાં NSEનો અંદાજે ₹30,000 કરોડનો અને Jio Platformsનો બહુચર્ચિત મેગા IPO પણ સામેલ છે.









