ટ્રમ્પની ધમકીની અસર? બ્રિકસ કરન્સીથી ભારતે અંતર રાખ્યું

કોમન કરન્સી નહીં, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર ભારતનો ભાર

નવી દિલ્હી : આવતીકાલથી શરૂ થનારી બ્રિકસ શિખર પરિષદ પહેલાં ભારતે બ્રિકસ દેશો માટે કોમન કરન્સી બનાવવાના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે નવી સંયુક્ત કરન્સીની જગ્યાએ સભ્ય દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાની હિમાયત કરી છે.

શિખર બેઠક પહેલાં યોજાયેલી બ્રિકસ વેપાર મંત્રીઓની બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત બ્રિકસ કરન્સીની તરફેણમાં નથી. તેના બદલે બ્રિકસ દેશોએ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) અથવા ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પરસ્પર વ્યવહારો સરળ બનાવવા જોઈએ.

ગોયલે ભારતની યુપીઆઈ સિસ્ટમનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે દરેક દેશ પોતાની રાષ્ટ્રીય કરન્સી જાળવી રાખે અને સાથે ડિજિટલ માધ્યમથી સરહદ પારના નાણાકીય વ્યવહારો કરી શકે. આ રીતે નવી કોમન કરન્સી ઊભી કર્યા વિના વેપાર અને પેમેન્ટને સરળ બનાવી શકાય.

બ્રિકસ દેશોમાં અગાઉ અમેરિકી ડોલરના વિકલ્પ તરીકે નવી કરન્સી અંગે ચર્ચા થઈ હતી. જોકે ભારતે હવે સ્પષ્ટ કર્યું છે કે તે બ્રિકસ કરન્સીના પક્ષમાં નથી અને ડોલરને નબળો પાડવાના પ્રયાસને પણ સમર્થન આપતું નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ બ્રિકસ દેશોને ડોલરના વિકલ્પ તરીકે નવી કરન્સી ઊભી કરવા સામે ચેતવણી આપી ચૂક્યા છે અને આવા પ્રયાસો કરવામાં આવશે તો 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. આ પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતનું કોમન બ્રિકસ કરન્સીથી દૂર રહેવાનું વલણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail