251 કિમીની ઝડપે દોડતી BMWનો ભયાનક અકસ્માત; જન્મદિવસની ઉજવણી બાદ યુવક-યુવતીના મોત

મુંબઈ: જન્મદિવસની ઉજવણી બાદ આનંદની પળો ગણતરીની મિનિટોમાં જ માતમમાં ફેરવાઈ ગઈ હતી. મહારાષ્ટ્રના બદલાપુર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અતિઝડપે દોડી રહેલી BMW કાર ડિવાઈડર સાથે અથડાતા થયેલા ભયાનક અકસ્માતમાં યુવક અને યુવતીના મોત થયા છે, જ્યારે એક અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોની ઓળખ બદલાપુરના રહેવાસી યોગેશ નેગી (26) અને બાંદ્રાની રેબેકા જેકબ (24) તરીકે થઈ છે. માહિતી મુજબ, રવિવારે યોગેશનો જન્મદિવસ હોવાથી તેણે મિત્રો સાથે ભવ્ય ઉજવણી કરી હતી. પાર્ટી પૂર્ણ થયા બાદ યોગેશ, તેની મિત્ર રેબેકા અને કાર માલિક અંગદ મોડી રાત્રે નિર્માણાધીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ડ્રાઇવ માટે નીકળ્યા હતા.

આ દરમિયાન બદલાપુર નજીક એરંજાડ વિસ્તારમાં કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. અત્યંત ઝડપે દોડી રહેલી BMW સીધી રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતનો આઘાત એટલો જોરદાર હતો કે કાર અનેક વખત પલટી ખાઈને લાંબા અંતર સુધી ઘસડાતી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે કારની ઝડપ આશરે 251 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરી રહી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પર અતિઝડપે વાહન હંકારવાના જોખમો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત ઝડપે વાહન ચલાવવાની અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail