બ્રિટનમાં ગરમીનો કહેરઃ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પારો 38°Cને પાર

લંડનઃ બ્રિટનમાં ગુરુવારે આ વર્ષની સૌથી વધુ ગરમી નોંધાતા ગરમીનો નવો રેકોર્ડ બન્યો છે. પશ્ચિમી લંડનમાં તાપમાન 38.1°C સુધી પહોંચી ગયું હતું. ભારે ગરમી વચ્ચે બ્રિટનના અનેક વિસ્તારોમાં આગ અને દુષ્કાળનું જોખમ વધ્યું છે.

ફ્રાન્સમાં પણ છેલ્લા 17 દિવસથી હીટવેવ યથાવત છે. બોર્ડોમાં 39°C, નેન્ટસમાં 37°C, પેરિસમાં 37°C અને મોન્ટપેલિયરમાં 35°C તાપમાન નોંધાયું છે. બીજી તરફ સ્પેનના મિરાન્ડા ડી એબ્રોમાં મહત્તમ તાપમાન 42.4°C નોંધાયું છે.

કાળઝાળ ગરમી અને વરસાદની અછતને કારણે પૂર્વી તથા દક્ષિણી સ્કોટલેન્ડના કેટલાક વિસ્તારોમાં જંગલમાં આગ લાગવાની ચેતવણી આપવામાં આવી છે. જુલાઈમાં પડેલા રેકોર્ડ દુષ્કાળ અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદની અછતના કારણે ઈંગ્લેન્ડનો લગભગ ત્રણ-ચતુર્થાંશ વિસ્તાર અને સમગ્ર વેલ્સ દુષ્કાળની અસર હેઠળ છે.

આ પરિસ્થિતિથી ઘરવપરાશ, ખેતી અને પર્યાવરણ માટે પાણીના સંસાધનો પર ભારે દબાણ વધી રહ્યું છે.

ડેન્યુબ નદીમાં પાણીનું સ્તર રેકોર્ડ નીચું

યુરોપની મહત્વપૂર્ણ ડેન્યુબ નદીમાં પણ પાણીનું સ્તર રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું છે. પાણીની અછતને કારણે થર્મલ પાવર પ્લાન્ટને કૂલિંગ માટે જરૂરી પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

કૂલિંગ માટે વીજળીની વધતી માંગ વચ્ચે કેટલાક પાવર પ્લાન્ટને વીજ ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે. યુરોપમાં ગરમી, દુષ્કાળ અને પાણીની અછતની સ્થિતિને કારણે આગામી દિવસોમાં ઊર્જા અને કૃષિ ક્ષેત્ર પર વધુ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail