બેંગલુરુ: ખાદ્ય સુરક્ષા વિભાગે બેંગલુરુમાં મોટી કાર્યવાહી હાથ ધરીને એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ સહિત અનેક ગોડાઉન અને દુકાનોમાં દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન એક્સપાયર થયેલો અને ખોટા લેબલવાળો આશરે રૂ. 1.38 કરોડનો ખાદ્યસામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે સંગ્રહિત રૂ. 4.02 લાખની દવાઓ પણ મળી આવી હતી.
ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલી તપાસમાં એમેઝોનના દેવનાહલ્લી અને અનેકલ સ્થિત ગોડાઉનમાંથી રૂ. 56 લાખનો એક્સપાયર અને ખોટા લેબલવાળો સામાન જપ્ત કરાયો હતો.
સ્વિગી ઇન્સ્ટામાર્ટ સેન્ટર સીલ
હોસ્કોટેના સ્વિગી ઇન્સ્ટામાર્ટ સેન્ટરમાં તપાસ દરમિયાન રૂ. 42 લાખનો વાસી ખોરાક મળી આવ્યો હતો. ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ અને અસ્વચ્છ પરિસ્થિતિને પગલે અધિકારીઓએ સેન્ટરને તાત્કાલિક બંધ કરાવી દીધું હતું.
સ્થાનિક દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી. ‘સપ્તાહ બજાર’માંથી એક્સપાયર થયેલા કાજુ બિસ્કિટ, લોટ, ચિકન, પનીર, ઇંડા અને કૂકીઝ સહિતની ખાદ્યસામગ્રી મળી આવી હતી. જ્યારે લિંગરાજપુરમના ‘લિયો 7 એન્ટરપ્રાઇઝ’માંથી મુદતપૂરો અથવા એક્સપાયરીની નજીકનો સામાન મળતાં પરિસરને સીલ કરવામાં આવ્યું હતું.
કુલ જપ્તી રૂ. 1.43 કરોડ
સમગ્ર કાર્યવાહીમાં રૂ. 33 લાખનો ખોટા લેબલવાળો ખોરાક અને રૂ. 1.05 કરોડનો મુદતપૂરો ખાદ્યસામાન જપ્ત થયો છે. ખાદ્યસામગ્રી અને દવાઓ સહિત કુલ જપ્તીનો આંકડો રૂ. 1.43 કરોડ સુધી પહોંચ્યો છે.









