ગોંડલમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાનું કૌભાંડ ઝડપાયું: 41 બોટલ જપ્ત

ગોંડલ: ભુણાવા ગામ નજીક આવેલા જય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. શાપર સ્થિત એફીલ્ડ ક્રોપ કેર કંપનીની ‘પ્રોફેકો સુપર’ સહિતની જંતુનાશક દવાઓની નકલી દવા બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, સનિત ભરત વરસાણી અને તેનો મિત્ર સ્મિત ગિરધર લીલા ભુણાવા ખાતે મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ચલાવતા હતા. સનિત અગાઉ વર્ષ 2021-22 દરમિયાન એફીલ્ડ ક્રોપ કેર કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતો હતો.

કંપનીની જંતુનાશક દવાઓની ડુપ્લીકેટ છેલ્લા છ મહિનાથી બનાવવામાં આવી રહી હોવાની માહિતી મળતાં ફરિયાદીએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને સાથે રાખીને મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અલગ-અલગ બોટલોમાં 41 ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ મળી આવી હતી. આ જથ્થાની કિંમત આશરે રૂ.25,680 હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસે દવા બનાવવા, રાખવા અને વેચાણ કરવા અંગેના લાયસન્સ તથા જરૂરી દસ્તાવેજો માગ્યા હતા, પરંતુ બંને કોઈ માન્ય આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા.

ફરિયાદ મુજબ, આરોપીઓએ કંપનીની નકલી દવાઓ બનાવી તેનું વેચાણ કરીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું તેમજ ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી.

સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટ અને છેતરપિંડી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

Traffic Tail