નવી દિલ્હી: દેશમાં ચોમાસાની શરૂઆત નબળી રહેતાં વરસાદને લઈને ચિંતા વધી રહી છે. વિશ્વ હવામાન સંગઠન (WMO) અને વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓએ એલ નીનો (El Niño)ની વધતી અસર અંગે ચેતવણી આપતાં જણાવ્યું છે કે વર્ષ 2026 દરમિયાન ભારત સહિત દક્ષિણ એશિયામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે.
હાલમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં નોંધપાત્ર ઓછો રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં ચોમાસાની ગતિમાં સુધારો જોવા મળ્યો છે, તેમ છતાં સમગ્ર સીઝન દરમિયાન વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના યથાવત હોવાનું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે.
WMOના તાજેતરના અંદાજ મુજબ જૂનથી ઓગસ્ટ દરમિયાન એલ નીનો વિકસિત થવાની સંભાવના 80 ટકા સુધી પહોંચી શકે છે અને તેની અસર વર્ષના અંત સુધી રહેવાની શક્યતા છે. એલ નીનો સામાન્ય રીતે ભારતીય ચોમાસાને નબળું પાડે છે, જેના કારણે વરસાદનું પ્રમાણ ઘટે છે અને ગરમીમાં વધારો થાય છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ 2026ના ચોમાસા માટે સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરી છે. વિભાગના અનુમાન પ્રમાણે સમગ્ર સીઝન દરમિયાન વરસાદ લાંબા ગાળાની સરેરાશના આશરે 90 ટકા સુધી મર્યાદિત રહી શકે છે, જે ‘બેલો નોર્મલ’ શ્રેણીમાં આવે છે.
નિષ્ણાતોના મતે વરસાદમાં ઘટાડો થવાથી કૃષિ, જળસંગ્રહ, વીજ ઉત્પાદન અને ગ્રામ્ય અર્થતંત્ર પર સીધી અસર પડી શકે છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારોમાં પાક ઉત્પાદનને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ પણ વધવાની શક્યતા છે. હવામાન એજન્સીઓએ રાજ્યોને પાણી વ્યવસ્થાપન અને કૃષિ આયોજન માટે અગાઉથી તૈયારી રાખવાની સલાહ આપી છે.
જોકે કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસાની સ્થિતિ સતત બદલાતી રહેતી હોવાથી માત્ર શરૂઆતના વરસાદના આધારે આખી સિઝન અંગે અંતિમ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન સક્રિય વરસાદી સિસ્ટમો વિકસે તો હાલની વરસાદી ખાધમાં ઘટાડો પણ થઈ શકે છે.









