બલુચ નેતાઓએ વિશ્વભરના સમર્થકોને એકતા દર્શાવવા અપીલ કરી; ઐતિહાસિક દાવાને ફરી કર્યો ઉજાગર
નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રદેશમાં અલગ રાષ્ટ્રની માંગ ફરી તેજ બની છે. બલુચ નેતાઓએ વિશ્વભરના બલુચ સમુદાયને 11 ઓગસ્ટે ‘બલુચિસ્તાન સ્વતંત્રતા દિવસ’ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું છે અને પોતાના ઘરો પર બલુચિસ્તાનનો ધ્વજ ફરકાવી એકતા દર્શાવવાની અપીલ કરી છે.
બલુચ નેતા મીર યાર બલોચે દાવો કર્યો છે કે 11 ઓગસ્ટ, 1947ના રોજ બલુચિસ્તાનને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું, તેથી આ દિવસને ઐતિહાસિક મહત્વ ધરાવતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ બલુચિસ્તાનના મુદ્દે સમર્થન આપવા અપીલ કરી છે.
બલુચ નેતાઓ પાકિસ્તાન સરકાર પર બલુચિસ્તાનમાં દમનકારી નીતિઓ અપનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમના કહેવા મુજબ વર્ષોથી ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી અને રાજકીય નીતિઓના કારણે પ્રદેશમાં અસંતોષ વધ્યો છે.
ઉલ્લેખનીય છે કે બલુચિસ્તાનની રાજકીય સ્થિતિ અને સ્વતંત્રતાના દાવાઓ અંગે પાકિસ્તાન સરકારનો અલગ અભિગમ રહ્યો છે. આવા સંજોગોમાં 11 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવાના આહ્વાનને લઈને પ્રદેશમાં ફરી રાજકીય ચર્ચા તેજ બની છે.









