ભુજ: કચ્છ કલેક્ટર કચેરી ખાતે તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હાજર ધારાસભ્યોએ જિલ્લાના વિવિધ પડતર પ્રશ્નો, વિકાસ કામો અને જનસુવિધાઓ સંબંધિત મુદ્દાઓ તંત્ર સમક્ષ રજૂ કર્યા હતા.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બેઠકમાં ચોમાસા પૂર્વેની પ્રિ-મોન્સુન કામગીરીને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વરસાદી સિઝન દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે તે માટે ડ્રેનેજ, રસ્તાઓ અને અન્ય જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવાની માંગ કરી હતી. સાથે જ ખેડૂતોને પડતી વિવિધ સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરી હતી.
કેશુભાઈ પટેલે જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્નો અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સંબંધિત મુદ્દાઓ પણ બેઠકમાં ઉઠાવ્યા હતા.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના વિસ્તારના વિકાસલક્ષી મુદ્દાઓ રજૂ કરતાં ટાઉનહોલના નિર્માણ કાર્ય તરફ તંત્રનું ધ્યાન દોર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્થાનિક સ્તરે વધુ સુવિધા મળી રહે તે માટે સરકારી કોલેજ શરૂ કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.
બેઠક દરમિયાન અબડાસા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે જમીન સંપાદન સંબંધિત પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને આ મુદ્દાઓના ઝડપી ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
સંકલન બેઠક દરમિયાન અધિક કલેક્ટરે તમામ વિભાગીય અધિકારીઓને લોકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવા માટે સક્રિય રીતે કામ કરવાની સૂચના આપી હતી. તેમણે વિકાસ કામોમાં ગતિ લાવવા અને નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ કરવા પર ભાર મૂક્યો હતો.
જોકે, આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લાના કેટલાક લોકપ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા, અંજારના ત્રિકમ છાંગા, માંડવીના અનિરુદ્ધ દવે તેમજ જિલ્લાના સાંસદ બેઠકમાં હાજર રહી શક્યા નહોતા.
જિલ્લાના વિકાસ અને જનહિતના પ્રશ્નોને લઈને યોજાયેલી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થતાં આગામી સમયમાં તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.









