અયોધ્યા: દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રી રામ મંદિરના દાનચોરી કેસમાં તપાસને મોટી સફળતા મળી છે. 25 દિવસની તપાસ બાદ નોંધાયેલી પ્રથમ એફઆઈઆરના આધારે પોલીસે દાન વ્યવસ્થાપન સાથે સંકળાયેલા રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મંદિરના દાનની ગણતરી અને વ્યવસ્થાપન સાથે સીધા જોડાયેલા હતા. મુખ્ય આરોપી ટીનુ યાદવ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનો ડ્રાઈવર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, દાનની રકમ અને કિંમતી ચીજવસ્તુઓની ગેરરીતિ માટે સંગઠિત રીતે ગેંગ કાર્યરત હતી.
આરોપીઓ સામે ચોરી, વિશ્વાસઘાત, ફોજદારી ષડયંત્ર અને ચોરાયેલા માલમિલકત છુપાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન અંદાજે બે-ત્રણ વર્ષથી ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવ્યું છે અને ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂ. 3 કરોડની રકમની વસૂલાત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યા બાદ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચા શરૂ થઈ હતી. અગાઉ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે દાનચોરીના મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ તપાસના આદેશ આપ્યા હતા. હાલમાં પોલીસ અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ તપાસી રહી છે અને વધુ ધરપકડની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો હોવાનું જાણવા મળે છે. તપાસનો રિપોર્ટ PMO સુધી પહોંચાડવામાં આવ્યો છે અને તપાસ પૂર્ણ થયા બાદ મંદિરના ટ્રસ્ટી બોર્ડ તથા સંચાલન વ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે તેવી ચર્ચા છે.
દેશના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક એવા શ્રી રામ મંદિરની પારદર્શિતા અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આગામી સમયમાં સંચાલન વ્યવસ્થાને વધુ જવાબદાર અને પારદર્શક બનાવવાના પગલાં લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









