ચાલતી રિક્ષામાં ઉલટીનું નાટક કરી મુસાફરોના ખિસ્સા સાફ કરતા; રૂ.25 હજારની રોકડ જપ્ત
રાજકોટ: શહેરમાં રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવી રોકડ ચોરી કરતી વધુ એક ગેંગનો આજીડેમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સાળા-બનેવી સહિત ત્રણ આરોપીઓને ઝડપી તેમની પાસેથી રૂ.25 હજારની ચોરાયેલી રોકડ કબજે કરી છે.
પોલીસ તપાસ મુજબ, રાજસ્થાનના એક યુવકને ગોંડલ રોડ પરથી રિક્ષામાં બેસાડ્યા બાદ આરોપીઓએ ઉલટી આવવાનું નાટક કરી તેની નજર ચૂકવી ખિસ્સામાંથી રૂ.25 હજાર સેરવી લીધા હતા. ફરિયાદ બાદ પોલીસે બાતમીના આધારે હુસેન મલેક, શિવમ રાજપૂત અને ભરત ચંદ્રપાલને સ્વાતી પાર્ક વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનો કબૂલ્યો હતો. તેઓ જાહેર સ્થળોએ એકલા મુસાફરોને રિક્ષામાં બેસાડી, ચાલતી રિક્ષામાં ઉબકા આવવાનું નાટક કરીને રોકડ ચોરી લેતા અને બાદમાં ભાડું લીધા વગર મુસાફરને ઉતારી ફરાર થઈ જતા હતા.
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમની સામે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ પોલીસ મથકોમાં ચોરી, વાહનચોરી, દારૂ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.









