બાંગ્લાદેશમાં તંગદિલીનો માહોલ: પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસનના ઘર પર હુમલો, આગચંપીનો પ્રયાસ

શેખ હસીનાની વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી બાદ હુમલો; પથ્થરમારાથી બારીઓના કાચ તૂટ્યા, પોલીસે તપાસ શરૂ કરી

ઢાકા: બાંગ્લાદેશમાં રાજકીય તંગદિલી વચ્ચે પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને અવામી લીગના ભૂતપૂર્વ સાંસદ શાકિબ અલ હસનનું મગુરા સ્થિત નિવાસસ્થાન હુમલાખોરોના નિશાને આવ્યું છે. અજાણ્યા ટોળાએ ઘરની બહાર પથ્થરમારો કરી બારીઓના કાચ તોડી નાખ્યા હતા અને આગચંપી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના રાત્રે 8:45થી 9:00 વાગ્યાની વચ્ચે બની હતી. હુમલાખોરો પેટ્રોલ ભરેલી બોટલો સાથે આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હુમલા સમયે મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

પ્રાથમિક માહિતી મુજબ આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે શાકિબ અલ હસન પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જોડાયા હતા. લગભગ બે વર્ષ બાદ શેખ હસીનાએ ઓનલાઈન માધ્યમથી પોતાના સમર્થકોને સંબોધન કર્યું હતું, જેમાં શાકિબ સહિત અવામી લીગના કેટલાક અગ્રણીઓ પણ જોડાયા હતા.

હાલ શાકિબ અલ હસન શ્રીલંકામાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હુમલાખોરોની ઓળખ તેમજ હુમલા પાછળના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail