નવી દિલ્હી: ભારત-નેપાળ સરહદ પર સશસ્ત્ર સીમા દળ (SSB)એ માન્ય પ્રવાસ દસ્તાવેજો વિના નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર એક અમેરિકી નાગરિકની ધરપકડ કરી છે. આરોપી સામે વિદેશી નાગરિકો અને ઇમિગ્રેશન સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા 36 વર્ષીય અમેરિકી નાગરિકની ઓળખ જોર્ડન બ્રાઉન તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે પર્યટક વિઝા પર થાઈલેન્ડ ગયો હતો, જ્યાં તેનો પાસપોર્ટ ગુમ થઈ ગયો હતો.
બાદમાં તે સમુદ્રી માર્ગે શ્રીલંકા પહોંચ્યો હતો અને ત્યારબાદ નવેમ્બર-2025 દરમિયાન સમુદ્રી માર્ગે જ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, ભારત આવ્યા બાદ જોર્ડન બ્રાઉન લાંબા સમયથી ગોવામાં રહેતો હતો. ત્યારબાદ તે માન્ય દસ્તાવેજો વિના ભારત-નેપાળ સરહદ પાર કરીને નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સશસ્ત્ર સીમા દળના પેટ્રોલિંગ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપી સામે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ અને ઇમિગ્રેશન નિયમોના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ હવે તેના ભારત પ્રવેશ, હિલચાલ અને અન્ય સંભવિત સંપર્કો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.









