દિલ્હીમાં પાકિસ્તાન સમર્થિત કથિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ

સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની હેન્ડલરો સાથે સંપર્કના આક્ષેપ; દંપત્તિ સહિત બેની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની નોર્ધન રેન્જે પાકિસ્તાન સંચાલિત કથિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ મામલે પોલીસે દિલ્હીના દંપત્તિ મોહમ્મદ સાહિલ અને તેની પત્ની સમીરા સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ વર્ષ 2024થી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની જાસૂસી એજન્ટોના સંપર્કમાં હતા અને તેમને વિવિધ પ્રકારની મદદ પહોંચાડતા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દંપત્તિ પાકિસ્તાનમાં બેઠેલા કથિત હેન્ડલરો માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડતું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એવો પણ આરોપ છે કે નેટવર્ક સાથે સંકળાયેલા લોકો ભારતમાં સક્રિય સ્થાનિક સંપર્કોની મદદથી ભારતીય મોબાઇલ સિમ કાર્ડ મેળવતા હતા અને ત્યારબાદ આ સિમ કાર્ડને કથિત રીતે દુબઈના રસ્તે પાકિસ્તાન મોકલવામાં આવતા હતા.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાન પહોંચ્યા બાદ ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ વોટ્સએપ એકાઉન્ટ સક્રિય કરવા માટે કરવામાં આવતો હતો. ત્યારબાદ આ એકાઉન્ટ મારફતે પાકિસ્તાની જાસૂસી ઓપરેટિવ ભારતીય નાગરિકોના સંપર્કમાં આવતા અને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ છે.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓના પાકિસ્તાની હેન્ડલરો સાથેના સંપર્કો, સિમ કાર્ડની વ્યવસ્થા અને વોટ્સએપ એકાઉન્ટના ઉપયોગ અંગે વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તપાસમાં નેટવર્કનો વ્યાપ અને અત્યાર સુધી મેળવવામાં આવેલી માહિતી અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail