ગાંધીનગર: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરતાં ગાંધીનગરમાં ફરજ બજાવતા વર્ગ-૧ના સરકારી અધિકારી અશ્વિન બી. ચૌધરી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન રોકડ નાણાં અને સોના-ચાંદી સહિત કુલ રૂ. 2.64 કરોડથી વધુની સંપત્તિ મળી આવતા સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ અશ્વિન બી. ચૌધરી મુખ્ય વિદ્યુત નિરિક્ષક તરીકે ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. સોલાર પ્રોજેક્ટ માટે જરૂરી સેફટી સર્ટિફિકેટ (NOC) આપવા માટે સ્થળ તપાસ કરવી ફરજિયાત હોવા છતાં તેઓ ઓફિસમાં બેસીને જ અરજદારો અને વેપારીઓ પાસેથી ગેરકાયદેસર રીતે લાંચ મેળવી મંજૂરી આપતા હોવાની ACBને બાતમી મળી હતી.
આ બાતમીના આધારે ACBના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખોખરાની ટીમે મદદનીશ નિયામક અશ્વિન પટેલના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવી હતી. સાંજે અધિકારી પોતાની સરકારી સ્વિફ્ટ ડીઝાયર કારમાં ઘરે જવા નીકળ્યા ત્યારે કારની તપાસ કરતાં રૂ. 5,51,730 રોકડા તેમજ ગિફ્ટ વાઉચર મળી આવ્યા હતા.
ત્યારબાદ ગાંધીનગર અને સુરત સ્થિત તેમના રહેણાંક મકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ રૂ. 1,76,14,970 રોકડ રકમ તથા રૂ. 88,82,910ના સોના-ચાંદીના દાગીના, લગડીઓ અને સિક્કાઓ મળી આવ્યા હતા. આમ કુલ રૂ. 2,64,97,880ની સંપત્તિ મળી આવી હતી.
ACBના જણાવ્યા અનુસાર અધિકારી આ સંપત્તિ અંગે કોઈ સંતોષકારક ખુલાસો કે આધારભૂત દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. જેના આધારે ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ-2018ની કલમ 13(1)(બ) તથા 13(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસની વધુ તપાસ સાબરકાંઠા ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. સુથાર ચલાવી રહ્યા છે. ACBએ નાગરિકોને અપીલ કરી છે કે સરકારી અધિકારીઓની બેનામી મિલકત, અપ્રમાણસર સંપત્તિ અથવા મની લોન્ડરિંગ અંગેની કોઈ ચોક્કસ માહિતી હોય તો ટોલ ફ્રી નંબર 1064 અથવા ACBના સત્તાવાર સંપર્ક માધ્યમો પર જાણ કરવી.
સતર્ક ભારત, સમૃદ્ધ ભારતના સૂત્ર સાથે ACB દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહી સતત આગળ ધપાવવામાં આવી રહી છે.









