કુવાડવા રોડની દુકાનમાંથી 1,392 બોટલ ઝડપાઈ, કારખાનેદાર ઝડપાયો; ₹5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
રાજકોટઃ કુવાડવા રોડ પર ઓડી શો-રૂમ સામે આવેલા સદગુરુ એસ્ટેટમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી દારૂના જથ્થા સાથે એક કારખાનેદારને ઝડપી લીધો છે. પોલીસે 1,392 બોટલ દારૂ, બાઈક સહિત ₹5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચોક્કસ બાતમીના આધારે દુકાન નં. 13માં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી લાલજી ઉર્ફે લાલો જગદીશ ડાભી (33) ઝડપાયો હતો. પોલીસ મુજબ, જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે ₹4.44 લાખ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લાલો ઇમિટેશનની ભઠ્ઠી અને કારખાનું ચલાવતો હતો. તેણે પરષોતમ ઉર્ફે ગુગા જાદવ કુમારખાણીયા સાથે મળીને દુકાન ભાડે રાખી હતી અને ચાર દિવસ પહેલાં દારૂનો મોટો જથ્થો મંગાવી છૂટક વેચાણ શરૂ કર્યું હતું.
દરોડા દરમિયાન લાલો ઝડપાઈ ગયો હતો, જ્યારે પરષોતમ ઉર્ફે ગુગા ફરાર થઈ ગયો છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બંને સામે અગાઉ પણ દારૂ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.








