ચીનના રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત, ટ્રમ્પ ખુદ એરપોર્ટ પહોંચ્યા; 1962 બાદ પહેલીવાર ઐતિહાસિક પ્રોટોકોલ
વોશિંગ્ટનઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રણ દિવસની અમેરિકા મુલાકાતે પહોંચ્યા છે. મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જિનપિંગને 100 ફૂટ લાંબી રેડ કાર્પેટ, ગાર્ડ ઓફ ઓનર અને બંને દેશોના રાષ્ટ્રધ્વજ સાથે સન્માન આપવામાં આવ્યું હતું.
લગભગ 10 વર્ષ બાદ જિનપિંગની આ પ્રથમ અમેરિકા મુલાકાત છે. અહેવાલ મુજબ, 1962 બાદ પ્રથમ વખત અમેરિકી પ્રમુખ કોઈ વિદેશી મહાનુભાવના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા છે.
ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની મુલાકાતમાં ટેરિફ વોર, વેપાર, AI અને ટેક્નોલોજી, તાઈવાન તથા અન્ય વૈશ્વિક મુદ્દાઓ મુખ્ય ચર્ચાનો વિષય બની શકે છે. બંને નેતાઓ વચ્ચે ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન બે શિખર બેઠકો યોજાવાની છે.
ખાસ કરીને ટ્રમ્પની ટેરિફ નીતિ અને ચીનની તેનો વિરોધ કરવાની સ્થિતિ વચ્ચે બંને દેશો વચ્ચે કોઈ નવી સમજૂતી થાય છે કે નહીં તેના પર દુનિયાની નજર રહેશે.









