યમુના એક્સપ્રેસ-વે પર મોડી રાત્રે ભીષણ દુર્ઘટના

ગ્રેટર નોઈડામાં સ્લીપર બસ આગમાં ભડથું: 9નાં મોત, 30 મુસાફરોનો બચાવ

ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસ-વે પર બુધવારે મોડી રાત્રે મહોબા જઈ રહેલી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી આખી બસમાં ફેલાઈ જતાં 9 મુસાફરોનાં મોત થયા હતા, જ્યારે બચાવ ટીમે 30 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક મુસાફરો જીવ બચાવવા બસમાંથી કૂદી પડ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડ્રાઈવર-મેનેજર સામે ગંભીર આરોપ

મુસાફરોના આરોપ મુજબ, બસમાંથી બળવાની દુર્ગંધ આવતી હોવાની જાણ ડ્રાઈવર અને મેનેજરને કરવામાં આવી હતી, છતાં બસ રોકીને તપાસ કરવામાં આવી નહોતી. બાદમાં ડ્રાઈવરની સીટ નજીકથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી.

મુસાફરોનો એવો પણ આરોપ છે કે બસ રોકવાની વિનંતી કરવા છતાં ડ્રાઈવર અને મેનેજરે ગંભીરતા દાખવી નહોતી અને કથિત રીતે મુસાફરોને ધમકાવ્યા હતા. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Comment