UPI પેમેન્ટ પર ચાર્જની ચર્ચા, રૂ.3,000ના વ્યવહારમાં રૂ.12નો ખર્ચ

નવી દિલ્હીઃ દેશમાં રોકડ અને ડેબિટ કાર્ડના વિકલ્પ તરીકે ઝડપથી લોકપ્રિય બનેલી UPI વ્યવસ્થામાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની ચર્ચા વચ્ચે ડિજિટલ પેમેન્ટના ખર્ચને લઈને ચર્ચા તેજ બની છે.

પ્રસ્તાવિત દર મુજબ 0.4 ટકા એટલે કે 40 બેઝિસ પોઈન્ટનો ચાર્જ નક્કી કરવામાં આવે તો રૂ.3,000ના વ્યવહાર પર રૂ.12 ચાર્જ થાય. જ્યારે મોટા વ્યવહારોમાં મહત્તમ ચાર્જ રૂ.300 સુધી મર્યાદિત રાખવાની વાત છે. એટલે રૂ.75,000ના વ્યવહાર પર પણ મહત્તમ રૂ.300 ચાર્જ ગણાશે.

રૂ.2,000 સુધીના કેટલાક UPI વ્યવહારોને ચાર્જમાંથી મુક્ત રાખવાની જોગવાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે વીજળી, પાણી, ગેસ, ટેલિકોમ, ઇંધણ, વીમા અને રેલવે ટિકિટ જેવા ચોક્કસ કેટેગરીના પેમેન્ટમાં રૂ.2,000થી વધુના વ્યવહાર પર રૂ.5નો નિશ્ચિત ચાર્જ હોવાની વાત કરવામાં આવી છે.

UPI ઓટો-પે અને રિકરિંગ પેમેન્ટને પણ પ્રસ્તાવિત વ્યવસ્થામાં અલગ રાખવામાં આવ્યા છે. OTT સબ્સ્ક્રિપ્શન, મ્યુચ્યુઅલ ફંડ અને કેટલીક નિયમિત બચત યોજનાઓમાં નિર્ધારિત મર્યાદા સુધી ચાર્જ નહીં લાગે તેવી જોગવાઈની માહિતી છે.

ચાર્જની રકમ પેમેન્ટ સાથે સંકળાયેલી બેન્કો, વેપારી અને UPI એપ સહિતના ભાગીદારો વચ્ચે વહેંચાવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા છે. જોકે ચાર્જનો અંતિમ અમલ, તેની વસૂલાત અને ગ્રાહક પર તેની સીધી અસર નિયમોની અંતિમ જોગવાઈઓ પર આધારિત રહેશે.

Leave a Comment

Traffic Tail