બ્રિકસ બેઠક પહેલાં જ અમેરિકા વિરોધી નિવેદનોથી ગરમાયો માહોલ : ભારત માટે રાજદ્વારી પડકાર

પુતિન-પેજેશ્કિયનના આકરા પ્રહારો વચ્ચે મોદી સાથેની મુલાકાત ચર્ચામાં : બ્રિકસને અમેરિકા વિરોધી મંચ બનતા રોકવા ભારત સક્રિય

નવી દિલ્હી: બ્રિકસ શિખર પરિષદ શરૂ થાય તે પહેલાં જ વૈશ્વિક રાજદ્વારીનું વાતાવરણ ગરમાયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન દ્વારા અમેરિકા અને પશ્ચિમી દેશોની નીતિઓ સામે કરવામાં આવેલા આકરા નિવેદનોને કારણે ભારતની ચિંતા વધી છે. ભારત બ્રિકસને આર્થિક સહયોગ અને વિકાસ માટેના મહત્વપૂર્ણ મંચ તરીકે જાળવી રાખવા ઈચ્છે છે અને તેને કોઈ એક દેશ અથવા પશ્ચિમી દેશોના વિરોધના મંચ તરીકે જોવામાં આવે તે ભારત માટે અનુકૂળ નથી.

પેજેશ્કિયને અમેરિકા-ઈઝરાયેલને નિશાન બનાવ્યા

બ્રિકસ બેઠક પૂર્વે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને અમેરિકા અને ઈઝરાયેલ સામે કડક વલણ વ્યક્ત કર્યું હતું. દિલ્હીમાં ધાર્મિક નેતાઓ, બુદ્ધિજીવીઓ અને શિક્ષણશાસ્ત્રીઓને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન દાદાગીરી અને દબાણ સામે ઝૂકશે નહીં.

પેજેશ્કિયને અમેરિકા અને ઈઝરાયેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને બંને દેશોને આતંકવાદ સાથે સાંકળતા નિવેદનો આપ્યા હતા. તેમના આ નિવેદનોને કારણે બ્રિકસ બેઠક પહેલાં જ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

પુતિનનો પણ અમેરિકા પર પ્રહાર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને પણ અમેરિકા પર નિશાન સાધ્યું હતું. પુતિને આક્ષેપ કર્યો હતો કે અમેરિકા વૈશ્વિક સ્તરે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે વિવિધ પ્રકારના દબાણનો ઉપયોગ કરે છે.

તેમણે સૈન્ય શક્તિના ઉપયોગ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર, લોજિસ્ટિક અને ઔદ્યોગિક માળખાને અસર પહોંચાડવાના પ્રયાસો તથા વિવિધ દેશો પર પ્રતિબંધો લાદવાની નીતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. પુતિને બ્રિકસ દેશોએ આવા પડકારોનો સામૂહિક રીતે સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભારત માટે મુશ્કેલ રાજદ્વારી સંતુલન

રશિયા અને ઈરાન તરફથી બ્રિકસના મંચ પરથી અમેરિકા વિરોધી સંદેશાઓ વધુ ઉગ્ર બને તો ભારત માટે રાજદ્વારી સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે. ભારતના રશિયા સાથે લાંબા સમયથી વ્યૂહાત્મક સંબંધો છે, જ્યારે બીજી તરફ અમેરિકા સાથે પણ ભારતના આર્થિક, વેપારી અને વ્યૂહાત્મક સંબંધો સતત મજબૂત થયા છે.

આથી ભારતની પ્રાથમિકતા બ્રિકસને સહયોગ અને આર્થિક ભાગીદારીના મંચ તરીકે આગળ વધારવાની છે. ભારતની ધરતી પરથી કોઈ ચોક્કસ દેશ અથવા પશ્ચિમી ગઠબંધન સામે સીધા આકરા સંદેશા જાય તે સ્થિતિ ટાળવી ભારત માટે મહત્વપૂર્ણ બની શકે છે.

મોદી-પુતિન-પેજેશ્કિયનની તસવીર પણ ચર્ચામાં

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે જોવા મળેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ત્રણેય નેતાઓ સાથે ચાલતા જોવા મળેલા આ દૃશ્યને બ્રિકસ બેઠકના રાજદ્વારી સંદર્ભમાં ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આગમન બાદ હવે બ્રિકસ બેઠકમાં વૈશ્વિક વેપાર, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, ડોલરના પ્રભુત્વ અને પશ્ચિમી દેશોની નીતિઓ જેવા મુદ્દાઓ પર શું ચર્ચા થાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

Leave a Comment

Traffic Tail