નાગપુરમાં SBIમાં ફિલ્મી લૂંટ : કર્મચારીઓની આંખમાં મરચું નાખી રૂ.4 લાખ લૂંટ્યા

ગ્રાહક બની બેંકમાં ઘૂસ્યો, મરચાનો પાવડર છાંટી રોકડ લઈને ફરાર : 30 મિનિટમાં પોલીસના હાથે ઝડપાયો

મુંબઈ: નાગપુરના સખરદરા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં દિવસના સમયે ફિલ્મી ઢબે લૂંટની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ હતી. સામાન્ય ગ્રાહક બની બેંકમાં પ્રવેશેલા શખ્સે અચાનક કર્મચારીઓની આંખમાં મરચાનો પાવડર નાખી કેશ કાઉન્ટરમાંથી રૂ.4 લાખ રોકડા લૂંટી લીધા હતા. જોકે, લૂંટ બાદ ફરાર થયેલો આરોપી પોલીસથી બચી શક્યો નહોતો અને માત્ર અડધા કલાકમાં ઝડપાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, બેંકમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી ત્યારે આરોપી ગ્રાહકના વેશમાં અંદર પ્રવેશ્યો હતો. તે સીધો કેશ કાઉન્ટર તરફ ગયો હતો. કોઈને શંકા જાય તે પહેલાં તેણે પોતાની પાસે છુપાવેલો મરચાનો પાવડર કર્મચારીઓની આંખમાં છાંટી દીધો હતો.

અચાનક થયેલા હુમલાથી બેંકમાં અફરાતફરી મચી ગઈ હતી. કર્મચારીઓ આંખોમાં મરચું પડતાં કશું જોઈ શકતા નહોતા. આરોપીએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કેશ કાઉન્ટરમાંથી રૂ.4 લાખ રોકડા લીધા હતા અને બેંકની બહાર નીકળી ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં સખરદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની ઝડપી કાર્યવાહીમાં આરોપીને ઘટનાના આશરે 30 મિનિટમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી લૂંટેલી રૂ.4 લાખની સમગ્ર રકમ પણ કબજે કરવામાં આવી છે.

પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. લૂંટ પાછળનો ચોક્કસ હેતુ શું હતો અને આ ઘટનામાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail