ડ્રોનમાં રહેલા વિસ્ફોટકો સમયસર નિષ્ક્રિય કરાયા : સુરક્ષાના કારણોસર એરપોર્ટ બે દિવસ બંધ
નેપ્પુડો: મ્યાનમારના પાટનગર નેપ્પુડોના આંતરરાષ્ટ્રીય વિમાની મથકને છ આત્મઘાતી ડ્રોનથી નિશાન બનાવવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. હુમલા બાદ સુરક્ષાના કારણોસર અત્યંત વ્યસ્ત આ એરપોર્ટને બે દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી છે.
મળતી માહિતી મુજબ, છ ડ્રોન એરપોર્ટ પર હુમલો કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, સુરક્ષા દળોએ ડ્રોનમાં રહેલા વિસ્ફોટકોને નિષ્ક્રિય કરી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે.
મ્યાનમારમાં સૈન્ય સમર્થિત સરકાર અને સરકારવિરોધી સશસ્ત્ર જૂથો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં સરકાર પર વિરોધીઓ સામે ડ્રોન હુમલા કરવાનો આરોપ પણ લાગ્યો હતો. આ સ્થિતિ વચ્ચે એરપોર્ટ પર છ આત્મઘાતી ડ્રોનથી થયેલા હુમલાને ગંભીર સુરક્ષા ઘટનાના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક તપાસમાં આ હુમલા પાછળ મ્યાનમારના સરકારવિરોધી વિદ્રોહી સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે અને હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે.









