હોર્મુઝ સંપૂર્ણ ખુલશે અને વૈશ્વિક ક્રૂડ વેપાર ફરી પાટે ચડશે, ટ્રમ્પનો દાવો
વોશિંગ્ટનઃ ઈરાન સામે અમેરિકાના હુમલા વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના અંતને લઈને મોટો દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પૂર્ણ થયા બાદ નવેમ્બરના અંત સુધીમાં અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.
ટ્રમ્પે કહ્યું કે આગામી બે મહિનામાં વિશ્વભરમાં ક્રૂડ ઓઈલ સહિતના વેપારમાં ફરી તેજી આવી શકે છે. હોર્મુઝ જળમાર્ગ પણ સંપૂર્ણપણે ખુલ્લો થઈ જશે અને વૈશ્વિક વેપાર વ્યવસ્થા સામાન્ય સ્થિતિમાં પરત ફરશે. જોકે, ત્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચેના હુમલા ચાલુ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
આર્થિક દબાણથી ઈરાન ઝૂકશે
ટ્રમ્પના મતે અમેરિકાની આર્થિક નાકાબંધીના કારણે ઈરાન પર સતત દબાણ વધી રહ્યું છે. આર્થિક પ્રતિબંધો અને નાકાબંધીની અસરથી ઈરાન માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનશે અને અંતે તે યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર થઈ શકે છે.
ચીન સામે ટ્રમ્પના ગંભીર આક્ષેપ
અમેરિકાના પ્રમુખે ચીન પર મધ્યસત્ર ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ટ્રમ્પનો દાવો છે કે ચીન એવા નેતાઓને જીતાડવા માગે છે, જેઓ ઈરાન સામે અમેરિકાની કડક નીતિનો વિરોધ કરે.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા ઈરાનને અણુશસ્ત્રો વિકસાવવાની તક આપશે નહીં. ઈરાન પર દબાણ જાળવી રાખવાની સાથે હોર્મુઝ જળમાર્ગમાં પણ અમેરિકાએ પોતાની કાર્યવાહી વધુ કડક બનાવી હોવાનું તેમણે જણાવ્યું છે.









