બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે, ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાના સમયગાળા વચ્ચે હવામાનમાં ફરી પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા હોવાથી દેશના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આગામી દિવસોમાં દેશના 25 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઓડિશામાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતા છે.
દિલ્હીમાં 14 સપ્ટેમ્બર સુધી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, વાવાઝોડું અને વીજળીના ચમકારા થવાની આગાહી છે. બિહારમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગંગા સહિત 8 નદીઓ હજુ પણ ખતરાના નિશાનથી ઉપર છે અને 14 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ યથાવત્ છે.
હવામાન નિષ્ણાતોના મતે ઓડિશા નજીક બનનાર લો-પ્રેશર અને ઉપરના વાતાવરણમાં સર્જાનાર ચક્રવાતી પરિભ્રમણની અસર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ જોવા મળી શકે છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના હોવાથી ચોમાસાની વરસાદી ખાધમાં પણ નોંધપાત્ર રાહત મળવાની આશા છે.









