ફિલિપાઈન્સમાં મુસાફર ફેરીમાં ભીષણ આગ : 5ના મોત, 80થી વધુ લાપતા

પલાવાન ટાપુ નજીક દરિયામાં આગથી અફરાતફરી; 43 લોકોને બચાવાયા, 134 મુસાફરો સવાર હોવાની આશંકા

મનીલા: ફિલિપાઈન્સમાં મુસાફર ફેરીમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પલાવાન ટાપુ નજીક બુધવારે રાત્રે બનેલી ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. રેસ્ક્યૂ ટીમોએ અત્યાર સુધીમાં 43 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.

ફેરીમાં આગ લાગતાં દરિયામાં અફરાતફરી

ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં ફેરીના એક ભાગમાં આગની વિકરાળ જ્વાળાઓ જોવા મળી રહી છે. આગ લાગ્યા બાદ કોસ્ટ ગાર્ડ અને રેસ્ક્યૂ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન પાંચ મૃતદેહો બહાર કાઢીને કિનારે લાવવામાં આવ્યા હતા.

કિનારાથી 2.2 કિમી દૂર દુર્ઘટના

આગની ઘટના દરિયાકિનારાથી આશરે 2.2 કિલોમીટર દૂર બની હોવાનું જણાવાયું છે. ફેરીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સત્તાવાળાઓ દ્વારા ઘટનાની તપાસ સાથે દરિયામાં લાપતા મુસાફરોની શોધખોળ પણ ચાલુ રાખવામાં આવી છે.

134 લોકો સવાર હોવાની આશંકા

કોસ્ટ ગાર્ડે ફેરીમાં સવાર લોકોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી. જોકે, જહાજની રેકોર્ડબુક મુજબ ફેરીમાં આશરે 134 મુસાફરો સવાર હોવાની આશંકા છે. 43 લોકોને બચાવી લેવાયા છે અને 5 મૃતદેહો મળી આવ્યા છે, ત્યારે બાકીના મુસાફરોની શોધ માટે રેસ્ક્યૂ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે.

Leave a Comment

Traffic Tail