વોશિંગ્ટન: અમેરિકા અને કેનેડા વચ્ચેનો વેપાર વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ કેનેડાએ પણ અમેરિકી ઉત્પાદનો પર 50 ટકા વળતો ટેરિફ લગાવ્યો હતો. હવે અમેરિકાએ જવાબી કાર્યવાહી કરતાં કેનેડાથી શરાબ, ડેરી ઉત્પાદનો અને મોટરબાઈક સહિતની કેટલીક વસ્તુઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે.
કેનેડાના ઉદ્યોગોને મોટો ફટકો
અમેરિકાના નવા નિર્ણયથી કેનેડાના ફર્નિચર, શરાબ, મચ્છીમારી અને ડેરી ઉદ્યોગો પર મોટી અસર થવાની શક્યતા છે. આ ઉપરાંત નોન-આલ્કોહોલિક બીયરની આયાત પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમેરિકાએ કેનેડાની વિમાન કંપની બોમ્બાર્ડિયરને પણ ચેતવણી આપી છે. જો કંપની અમેરિકામાં ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ નહીં કરે તો તેના વિમાનોને અમેરિકામાં વેચવાની મંજૂરી નહીં મળે તેવી ચીમકી આપવામાં આવી છે.
કેનેડામાં અમેરિકી માલનો બહિષ્કાર
ટ્રમ્પના નિર્ણય બાદ કેનેડામાં અમેરિકી ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ થયો છે. ખાસ કરીને અમેરિકી શરાબ સામે વિરોધ વધ્યો છે અને કેટલાક મોટા સ્ટોર્સે તેનું વેચાણ બંધ કરી દીધું છે.
કેનેડાએ સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકાના ટેરિફનો મક્કમતાથી સામનો કરશે. અમેરિકાના નવા પ્રતિબંધોની અસર આશરે 20 બિલિયન ડોલરના વેપાર પર થવાની શક્યતા છે. બીજી તરફ કેનેડાએ આશરે 27.6 બિલિયન ડોલરની અમેરિકી આયાત પર વધારાનો ટેરિફ લાદ્યો છે.
આ નિર્ણયથી અમેરિકાના ડેરી ઉત્પાદનો, કૃષિ સાધનો, કાગળ, ઘરવપરાશની વસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર 15થી 50 ટકા સુધીનો ટેરિફ લાગુ થયો છે. બંને દેશો વચ્ચેનો વેપાર વિવાદ હવે વધુ ગંભીર તબક્કે પહોંચ્યો છે.









