નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા ‘સંકલ્પ સેવા અભિયાન’ શરૂ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સુધી 10-10 જનસેવા યાત્રાઓ યોજાશે.
આ યાત્રાઓ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને દિલ્હી સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે. અત્યાર સુધીમાં 13 રૂટને અંતિમ મંજૂરી મળી છે, જ્યારે અન્ય રૂટ અંગે ચર્ચા ચાલી રહી છે.
જનભાગીદારી અને સેવા પ્રવૃત્તિઓ પર ભાર
અભિયાનનો હેતુ માત્ર રાજકીય સંપર્ક પૂરતો નહીં પરંતુ જનભાગીદારી અને સેવા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. સ્થાનિક લોકોને સરકારી યોજનાઓ સાથે જોડવા ઉપરાંત 2047ના સંકલ્પ અંગે પણ જનજાગૃતિ કરવામાં આવશે.
‘મેરે ભારત કી પ્રગતિ…’ જનવાણી હેઠળ નાગરિકોના અનુભવો અને સૂચનો રેકોર્ડ કરવામાં આવશે. આ સામગ્રીના આધારે વારાણસીમાં આશરે 90 મિનિટની ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ છે.
યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ તબીબી શિબિર, બ્લડ પ્રેશર અને શુગર ટેસ્ટ સહિતની આરોગ્ય તપાસ પણ યોજાશે.
નારી શક્તિ સંમેલન અને વિવિધ કાર્યક્રમો
યાત્રાના પડાવો પર યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને જોડવામાં આવશે. સ્થાનિક ભાષામાં શેરી નાટકો દ્વારા 2001થી 2026 દરમિયાન વીજળી, ગેસ, આવાસ અને શિક્ષણ સહિતની સુવિધાઓમાં આવેલા પરિવર્તનો રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત નારી શક્તિ સંમેલન, ક્વિઝ સ્પર્ધા અને યોજનાના લાભાર્થીઓના સન્માન જેવા કાર્યક્રમો પણ યોજાશે. રાત્રિ રોકાણના સ્થળોએ 25 દીવડાઓ પ્રગટાવવામાં આવશે. સમગ્ર અભિયાન દરમિયાન આશરે 25 લાખ નાગરિકોની કહાનીઓ લોકો સમક્ષ લાવવાનો પ્રસ્તાવ છે.
નીતિન નબીનનું નિવેદન
ભાજપ અધ્યક્ષ નીતિન નબીને જણાવ્યું કે વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ દેશની સેવા અને વિકાસને સમર્પિત રહ્યા છે. આ અવસરને યાદગાર બનાવવા ભાજપ દ્વારા ‘સંકલ્પ સેવા અભિયાન’ હેઠળ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.









