મુંબઈમાં PM મોદીની ઈવેન્ટ દરમિયાન બોગસ PMO કાર્ડ સાથે બે શખ્સ ઝડપાયા

મુંબઈ: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલાં મુંબઈ પોલીસે બોગસ PMO ઓળખકાર્ડના કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. BKC પોલીસ અને મુંબઈ પોલીસની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)ની કાર્યવાહી બાદ મુખ્ય આરોપી રોહન પારેખ અને તેના બોડીગાર્ડ દિલીપ કુંડેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને 11 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.

સુનાવણી દરમિયાન પોલીસે આરોપીઓ સામે ગંભીર આરોપો રજૂ કર્યા હતા. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, 24 વર્ષીય રોહન પારેખે સિટી યુનિવર્સિટી ઓફ લંડનમાં અભ્યાસ કર્યો છે અને તેની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ગણિત તથા ફાઇનાન્સ સાથે સંબંધિત છે.

પોલીસને રોહન પાસેથી PMO અધિકારી તરીકે દર્શાવતું એક ઓળખકાર્ડ મળ્યું હતું. આ કાર્ડ પર માત્ર ‘C Grade’ લખેલું હતું. તેમાં કોઈ ચોક્કસ હોદ્દો દર્શાવવામાં આવ્યો ન હતો તેમજ વેલિડિટી ડેટ પણ નહોતી, જ્યારે માત્ર ઈશ્યૂ ડેટનો ઉલ્લેખ હતો.

ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં દલીલ કરી હતી કે પ્રાથમિક તપાસમાં આ મામલો ગંભીર ધમકીના કાવતરાની દિશામાં જતો જણાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કથિત કાવતરામાં રોહનનો મિત્ર પ્રથમેશ બાગુર પણ સામેલ છે, જે હાલ ફરાર છે.

બીજી તરફ, બચાવ પક્ષના વકીલોએ પોલીસના આરોપોને ફગાવી રોહનને નિર્દોષ ગણાવ્યો હતો. વકીલોના જણાવ્યા મુજબ, રોહન પોતે છેતરપિંડીનો ભોગ બન્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે રોહને કથિત બોગસ PMO ઓળખકાર્ડ કયા હેતુથી બનાવડાવ્યું હતું અને સમગ્ર મામલા પાછળનો વાસ્તવિક ઉદ્દેશ શું હતો.

Leave a Comment

Traffic Tail