નવી દિલ્હી: સેમીક્નડકટર ચીપ સહિત ઈલેક્ટ્રોનિક પાર્ટસના વધતા ભાવ વચ્ચે સેમસંગ ઈન્ડિયાએ ભારતમાં સ્માર્ટફોન બિઝનેસ સાથે જોડાયેલા આશરે 25% સ્ટાફની છટણી કરવાની તૈયારી કરી છે. કંપની ટીવી અને અન્ય હોમ એપ્લાયન્સીસના વ્યવસાયને પણ મર્યાદિત કરી રહી છે.
મળતી માહિતી મુજબ, ઈલેક્ટ્રોનિક બિઝનેસ સાથે જોડાયેલા 80થી 100 એક્ઝિક્યુટિવની નોકરી જોખમમાં છે. કંપની કર્મચારીઓને ચાર મહિનાના એડવાન્સ પગાર સાથે નોકરી છોડવાની ઓફર કરી રહી હોવાનું જાણવા મળે છે.
સેમીક્નડકટર ચીપની વિદેશથી આયાતના કારણે કંપનીના માર્જિન પર દબાણ વધ્યું છે. બીજી તરફ, મોબાઈલ ફોન માર્કેટમાં પણ મંદી અને વધતી સ્પર્ધાને કારણે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે.









