પાંચ કાયદામાં સુધારા માટે વિધાનસભામાં મહાવિધેયક રજૂ થશે
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા સત્રમાં ‘ગુજરાત ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ બિલ, 2026’ રજૂ કરવામાં આવશે. વેપાર-ઉદ્યોગ માટેની પ્રક્રિયાઓ સરળ બનાવવા અને નિયમોના ભારણમાં ઘટાડો કરવાના હેતુથી આ બિલમાં પાંચ અલગ કાયદાઓમાં સુધારા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
નવા પ્રસ્તાવ મુજબ રાજ્યમાં દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી મળી શકશે. જોકે, કર્મચારીઓના કામના કલાકો અને સુરક્ષા અંગેના હાલના નિયમો યથાવત રહેશે.
આ મહાવિધેયકમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ-1967, ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013, રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ-2013, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ-2019 અને MSME ફેસિલિટેશન એક્ટ-2019ને આવરી લેવામાં આવ્યા છે.
વ્યવસાય અને દુકાનોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ સરળ બનશે. નવા વ્યવસાયોએ શરૂઆતના 60 દિવસમાં નોંધણી કરાવવાની રહેશે. આ માટે સેલ્ફ-ડિક્લેરેશન અને સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
ફરિયાદોના ઝડપી નિકાલ માટે સમયબદ્ધ અપીલ વ્યવસ્થા પણ અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે. નિર્ધારિત સમયમર્યાદામાં ફરિયાદનો નિકાલ નહીં થાય તો અરજી આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ અપીલ તરીકે ટ્રાન્સફર થશે. નિર્ણયથી અસંતુષ્ટ અરજદાર 30 દિવસમાં આગળ અપીલ કરી શકશે.
અન્ય રાજ્યોમાં નોંધાયેલા તબીબો માટે પણ નોંધણી પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. ડોક્ટરો વધારાની ફી અથવા પૂર્વ મંજૂરી વિના ડિગ્રી/સર્ટિફિકેટ અને સ્વ-ઘોષણાપત્રના આધારે ગુજરાતમાં નોંધણી મેળવી શકશે.
સરકારનો દાવો છે કે આ સુધારાઓથી જૂના અને જટિલ નિયમોમાં ઘટાડો થશે અને રાજ્યમાં વ્યવસાય શરૂ કરવો, ચલાવવો તથા સરકારી સેવાઓ મેળવવી વધુ સરળ અને ઝડપી બનશે.









