36 હજાર ફૂટની ઊંચાઈએ ફ્લાઇટમાં કટોકટી! એન્જિનમાં ઓઇલ પ્રેશર ઘટ્યું, કોચી પરત ફરી ફ્લાઇટ

ટેક-ઓફના 50 મિનિટ બાદ ખામી સર્જાઈ; ક્રૂની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સુરક્ષિત

કોચી: કોચીથી અબુ ધાબી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં હજારો ફૂટની ઊંચાઈએ અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફ્લાઇટે ઉડાન ભર્યાના આશરે 50 મિનિટ બાદ જ્યારે વિમાન લગભગ 36 હજાર ફૂટની ઊંચાઈએ હતું ત્યારે એન્જિન-1માં ઓઇલનું સ્તર ઝડપથી ઘટવા લાગ્યું હતું. સાથે જ ઓઇલ પ્રેશર પણ ઓછું થતાં ક્રૂએ તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા.

વિમાનમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એન્જિન-1નો ઓઇલ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રૂએ અબુ ધાબી સુધીની ઉડાન ચાલુ રાખવાને બદલે વિમાનને પરત કોચી લાવવાનો નિર્ણય લીધો હતો. આખરે ફ્લાઇટનું કોચી એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

50 મિનિટમાં જ બદલાઈ પરિસ્થિતિ

મળતી માહિતી મુજબ બોઇંગ 737 વિમાન, ફ્લાઇટ નંબર IX 415, કોચીથી અબુ ધાબી માટે રવાના થયું હતું. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ આશરે 50 મિનિટની ઉડાન બાદ ક્રૂને એન્જિન-1માં ઓઇલ લેવલ ઝડપથી ઘટી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું.

ઓઇલ પ્રેશર ઓછું થતું હોવાનું જણાતા સ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી હતી. ક્રૂ દ્વારા ઈમરજન્સી પ્રક્રિયા મુજબ FORDEC ચેક કરવામાં આવ્યો હતો અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પરત ફરવાનો નિર્ણય લેવાયો હતો.

એક એન્જિન પર કોચી પરત ફર્યું વિમાન

એન્જિન-1માં જરૂરી કાર્યવાહી કર્યા બાદ વિમાનને સુરક્ષિત રીતે કોચી તરફ વાળવામાં આવ્યું હતું. એક એન્જિનમાં સમસ્યા હોવા છતાં ક્રૂએ પરિસ્થિતિને કાબૂમાં રાખી ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

સમયસર લેવાયેલા આ નિર્ણયના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

વિમાન ફરી ઉડાન ભરી શક્યું નહીં

કોચી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ વિમાનને ટેકનિકલ તપાસ માટે ખસેડવામાં આવ્યું છે. ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે એન્જિન અને સંબંધિત સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલ વિમાનને ફરી સેવામાં મૂકવામાં આવ્યું નથી. ટેકનિકલ ખામીનું કારણ શું હતું અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે, આ ઘટના અંગે એરલાઇન અથવા એરપોર્ટ ઓથોરિટી તરફથી હજુ સુધી વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

Leave a Comment

Traffic Tail